
ગોધરાના સીમલા કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા દરુણીયા રોડ પર આજે બપોરના સમયે ઉભી રાખવામાં આવેલી સ્ક્રેપની ગાડીઓમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સ્ક્રેપના ગોડાઉનમાં એક સાથે બે થી વધુ કારોમાં આગ ભભૂકી ઉઠતાં સ્થળ પર ધુમાડાના ઘેરા કાળા ગોટાળા આકાશમાં દેખાયા હતા.સ્થાનિક લોકોએ આગની જાણ ગોધરા ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા પાણીની હાર્ડલાઇનથી આગને નિયંત્રણમાં લીધી હતી અને થોડા જ સમયગાળામાં આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.આગ કયા કારણસર લાગી તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી, પરંતુ અનુમાન મુજબ સ્ક્રેપમાં રહેલા ઇંધણના અંશો અથવા ઇલેક્ટ્રિકલ ચિંગારીને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.સદભાગ્યે, ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. માત્ર ગાડીઓનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ સ્થળ પર કૂલિંગ ઑપરેશન હાથ ધરાયું છે.




